વાયા જો વાયરા ગ્રીષ્મના
વાયા જો વાયરા ગ્રીષ્મના.....
વરસે ગરમીના અગનગોળા આભમાંથી, ધરતી તપે, દરેક જીવ તરસે જળ માટે, ઉડે ડમરી ધૂળની,
વાયા જો વાયરા ગ્રીષ્મના...
ખીલ્યાં પુષ્પો ગુલમહોર, ગરમાળાના, ગુંજે વાતાવરણ કર્ણપ્રિય કોયલના ટહુકા થી, મન લલચાય આંબે લટકતી કેરી જોઈ, મોંમાં પાણી આવી જાય ફુદીનાને સંગ જો ચટની બનાવાય,
વાયા જો વાયરા ગ્રીષ્મના.....
સોડમ ગરમ મસાલાની વાતાવરણ માં ફેલાઈ, ફીકું લાગે ભોજન જો કાચી કેરીના અથાણાંની બાદબાકી થાય, ઠંડાઈ પહોંચાડે ઠંડક શરીરને, પણ તરસ તો તૃપ્ત થશે માટીના મટુકાના જળથી જ,
વાયા જો વાયરા ગ્રીષ્મના.....
દરેક બદલાતી ઋતુનું પોતાનું આગવું સૌન્દર્ય, તેમ જીવન માં દરેક ઉંમરના તબક્કા બાળપણ, યૌવન, પ્રૌઢની વિશિષ્ટતા અનેરી જે માણવું મનુષ્ય જીવનનું સૌભાગ્ય....
મન ઉત્સુક બન્યું આજે આલેખવા દિવસો ઉનાળાના,
"વાયા જો વાયરા ગ્રીષ્મના".... મારી નજરે...


